ગુજરાત સરકારે કર્યો મહત્વનો નિર્ણય: હવે સોગંદનામા માટે રુપિયા નહી આપવા પડે, જાણો વધુ માહિતી

સોગંદનામા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનને તાજેતરમાં 200 દિવસ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્ય સરકારે નાગરિકોને મળતી સરકારી સેવાઓ માટે વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં હવેથી સરકારી યોજનાના લાભ માટે સોગંદનામું કરાવવાની જરૂરી નહીં રહે.

  • રાજ્ય સરકારની યોજનાઓ માટે સોગંદનામું જરૂરી
  • મહેસૂલ મંત્રીએ વડોદરામાં આપ્યું નિવેદન
  • કલેક્ટરને પણ આ મામલે કાર્યવાહી કરવા સૂચના

નિર્મળતા સાથે નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ જનસેવા યાત્રા ક્રાંતિકારી નિર્ણયો, અનેરી ઉપલબ્ધિઓ, નવતર પહેલ સાથે રાજ્યના જનજનની સેવાની સફળ પરિશ્રમ યાત્રા બની છે, નાગરિકોને હિતમાં દરરોજ રાજ્ય સરકાર કોઈને કોઈ મહત્વની જાહેરાતો કરતી રહે છે ત્યારે હવે સરકારી યોજનાઓ માટે સોગંદનામાના રૂપિયા નહીં ખર્ચવાની નાગરિકોને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સરકારી યોજના માટે હવે સોગંધનામુ જરૂરી નથી

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામું જરૂરી નથી, યોજનાને લગતી કોઈપણ કામગીરી સેલ્ફ ડેક્લેરેશનથી થઈ શકે છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હવે સોગંદનામા માટે કોઈ રૂપિયા ન આપતા. 

રાજ્યભરના કલેક્ટરોને અપાઈ સૂચના 

સાથે જ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આદેશ આપતા જણાવ્યું કે, આગામી 15 દિવસમાં જ આ બાબતે કાર્યવાહી કરવા માટેની રાજ્યભરના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે અને આ સુવિધા નાગરિકો માટે ગણતરીના દિવસમાં જ અમલી બની જશે. 

પહેલા ચૂકવવા પડતા હતા પૈસા 
 
જણાવી દઇએ કે, પહેલા કોઈપણ સરકારી યોજનાની કામગીરી માટે સોગંદનામાના બહાને ઓફિસ બહાર 300-500 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે સરકારના આ પ્રકારના નિર્ણય બાદ ચૂકવવાના રહેશે નહીં.