દિવાળીની આસપાસ ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નવેમ્બરના અંતમાં પહેલા તબક્કાનું મતદાન અને ડિસેમ્બરની શરૂઆતમાં બીજા તબક્કાનું મતદાન થાય તેવી શક્યતા છે.
આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે દિવાળીની આસપાસ આ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નવેમ્બર અંત સુધીમાં પહેલા તબક્કાનું મતદાન યોજાશે અને ડિસેમ્બરની શરૂઆતમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે.
ઉલ્લેખનીય છે કે, હાલ ચૂંટણીને લઈને દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. દરેક પાર્ટીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે અને ચારેબાજુ ચડસાચડસીનો માહોલ છવાયેલો છે. તમામ પાર્ટીઓ ગામે ગામ જાહેર સભાનું આયોજન કરીને ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આખરે ગુજરાતમાં કોણ બાજી મારશે?
કેવી રીતે યોજાશે ચૂંટણી?
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. જેમાં નવેમ્બરના અંતમા પહેલા તબક્કાનું મતદાન કરવામાં આવશે અને ત્યારબાદ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં બીજા તબક્કાનું મતદાન કરવામાં આવશે. પછી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મતગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.
ગુજરાતમાં ભાજપની ત્રીજીવાર ‘ગૌરવ યાત્રા’
હાલ ચૂંટણી પ્રચારને લઈને ભાજપે ‘ગૌરવયાત્રા’નું આયોજન કર્યુ છે. તેમાં તેમણે તમામ 144 સીટ કવર કરવાનો પ્લાન બનાવ્યો છે. ગુજરાતમાં ભાજપ ત્રીજી વખત ગૌરવ યાત્રા શરૂ કરવા જઈ રહ્યું છે. અગાઉ 2002માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2002ના કોમી રમખાણો બાદ આ યાત્રા કાઢી હતી. આ પછી 2017ની ચૂંટણીમાં પણ આવી જ યાત્રા કાઢવામાં આવી હતી. બંને વખત ભાજપને ફાયદો થયો છે. 2002માં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 127 બેઠકો જીતી હતી. તે જ સમયે, 2017 માં, પાર્ટીને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બંને ગૌરવ યાત્રામાં મળેલા લાભથી ભાજપ ઉત્સાહિત હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે, આ વખતે પણ ફાયદો થશે તે નિશ્ચિત છે.