હવામાન વિભાગે કરી આગાહી: ગુજરાતમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 28 ડિસેમ્બરના રોજ મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે બટાટા, વરિયાળી અને જીરું સહિતના પાકોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ છે.
હવામાન વિભાગે કરી આગાહી
બીજી તરફ રાજકોટ અને પોરબંદર સહિત કચ્છમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બુધવારથી લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે, જેના કારણે ઠંડીમાં ફરી એકાએક વધારો થશે અને ઠંડીનો ચમકારો વધતા લોકોમા બીમારીઓનું પ્રમાણ પણ વધશે.
હાલ એક તરફ ઓમીક્રોન દેશને પરેશાન કરી રહ્યો છે ત્યારે બીજી તરફ વાતાવરણમાં આવતા એકાએક બદલાવ લોકોને મૂંઝવણમાં મૂકી રહ્યું છે ત્યારે હવામાનની આ આગાહી જો સાચી સાબિત થાય તો ખેડૂતોને પાકમાં ભારે નુકશાન થશે અને જો પાક બગડ્યો તો આવનાર સમયમાં તેનું જીવન મુશ્કેલ બની શકે છે.